■ કોરોના પોઝિટિવ દર્દી તરીકે નવ દિવસની યાત્રા દરમ્યાનનો મારો સંપૂર્ણ અનુભવ ■
ઘણાં મિત્રોએ મને રજુઆત કરી હતી કે તમે તમારો અનુભવ જરૂર લખશો તેમજ અન્ય માહિતોઓથી પણ અમને માહિતગાર કરશો. જેથી કોરોના પેશન્ટ તરીકે નવ દિવસ દરમ્યાન થયેલા સારા – નરસા અનુભવ અને ત્યાંની પરિસ્થિતિ વિશે લખવાનું નક્કી કર્યું, જે હવે આપ સૌ સમક્ષ રજુ કરી રહ્યો છું. ખુબ લાંબુ છે પણ અધૂરી માહિતી વિષે અવગત કરાવવા કરવાં કરતાં વિસ્તૃત માહિતી સાથેની અવગત કરવવાનું મને વધુ ઉચિત લાગ્યું. જેથી મુદ્દાસર દરેક બાબતને આવરી લઈ તેનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે.
● ઉધરસ સાથે તાવની શરૂઆત…
તા : 22/05/2020 ના રોજ બપોર પછી મને થોડી થોડી સૂકી ઉધરસ આવવાનું શરૂ થયું. ત્યારબાદ બીજા દિવસે એ સૂકી ઉધરસમાં થોડો વધારો થયો અને સવારે 11:00થી તાવ ની શરૂઆત થઈ ને બપોરે 2:30 વાગ્યા સુધીમાં તો ખૂબ તાવ આવી ગયો. જે તાવ ના કારણે મને અડી પણ ના શકાય તેટલો હું તપવા લાગ્યો. સૌ પ્રથમ આ પ્રકારના લક્ષણો શરૂ થતાં મેં મારા પરિવારના સભ્યોને મારી નજીક આવવાનું બંધ કરાવી દીધું અને ઘરમાં પણ માસ્ક પહેરવાનું ઉચિત સમજીને મેં માસ્ક પણ પહેરી લીધું. ત્યારબાદ મેં રાજ્ય સરકારના મેડિકલ હેલ્પલાઈન નં 104 પર ફોન કરી મેં મારા શરીરમાં અનુભવાતાં લક્ષણો વિષે માહિતી આપી. જ્યાં આ માહિતી આપતાં મને બીજું શું શું થાય છે એ સંદર્ભે માહિતી પૂછવામાં આવી અને મારા ઘરનું સરનામું નોંધવામાં આવ્યું અને જણાવાયું કે બે દિવસના અંદર આરોગ્ય અધિકારી તમને તપાસ અર્થે તમારા ઘર પર આવી જશે. મેં સામે દલીલ કરતાં કહ્યું કે જે પ્રકારે અને જે ઝડપે મારી તબિયત ખરાબ થઈ છે એ મુજબ તો બે દિવસની રાહ જોવી એ તો મારા માટે તેમજ મારા પરિવાર માટે હિતાવહ નથી તથા અન્ય માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે. પણ મને સામે જવાબ મળ્યો કે સોરી સર પણ અમે આ વિષે વધુ કાંઈ કરી શકીએ નહીં તેમ છતાં જો આપ ઈચ્છો તો ઇમરજન્સી સેવા હેતુ 108 નં પર ફોન કરી શકો છો. ખરેખર તો કોરોના મહામારી જેવી પરિસ્થિતિમાં જે કોઈ વ્યક્તિ મેડિકલ હેલ્પલાઈન નં 104 પર ફોન કરીને પોતાનાં ખરાબ સ્વાસ્થ્યલક્ષી માહિતી આપે છે ત્યારે બે દિવસ જેટલો સમય ના લેતાં બે થી ચાર કલાકના અંદર તાત્કાલિક ધોરણે ફોન કરનાર વ્યક્તિની આરોગ્ય અધિકારી દ્વારા તપાસ થઈ જવી જોઈએ એવું મારુ માનવું છે. જેથી જો એ વ્યક્તિ કોરોના સંક્રમિત હોય તો તે વ્યક્તિ દ્વારા સંક્રમણ આગળ ફેલાતાં અટકાવી શકાય.
સમય વીતવા સાથે મારી તબિયત વધુ ખરાબ થઈ રહી હતી માટે મને થયું કે હવે કોઈપણ સંજોગે મને મારો કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેથી મેં ન્યુ સિવિલ હોસ્પિટલમાં એક મિત્રની મદદથી ટેસ્ટ સંદર્ભે માહિતી મેળવી ટેસ્ટ કરાવવા હેતુ પ્રયત્ન ચાલુ કર્યા. પણ તેમાં સફળતા મળી નહિ. જેથી મેં સુરત મ્યુ. કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો અને તેમને મેં મારા સ્વાસ્થ્ય વિષે ટૂંકમાં માહિતગાર કર્યા અને કહ્યું કે મને લાગે છે કે મારા લક્ષણ જોતા મારે કોરોના ટેસ્ટ કરાવી લેવો જોઇએ. આ માટે મેં કરેલાં પ્રયત્નો વિશે પણ મેં એમને જાણ કરી. ઉચ્ચ અધિકારીએ મને હું ક્યાં ઝોનમાં રહું છું એ વિશે ની માહિતી મેળવી મને કતારગામ ઝોનમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર જવાની સલાહ આપી.
● અર્બન હેલ્થ સેન્ટર, નોર્થ ઝોન ( કતારગામ )…
સુરત શહેરમાં કતારગામ ઝોનમાં કતારગામ આશ્રમ પાસે અંબિકાવાળા રોડ પર આવેલ અર્બન હેલ્થ સેન્ટર પર કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવાય છે. હવે બન્યું એવું કે, કતારગામ વિસ્તારમાં એ અર્બન હેલ્થ સેન્ટર ક્યાં આવ્યું છે એ વિષે મને ચોક્કસ જાણકારી ના હતી માટે એ ઉચ્ચ અધિકારી એ એમનાં સંપર્કો દ્વારા તરતજ અર્બન હેલ્થ સેન્ટર વિષે ની ચોક્કસ જાણકારી મેળવી મને ફરીથી ફોન પર અર્બન હેલ્થ સેન્ટર ક્યાં આવેલું છે એ વિષે ની જાણકારી આપી કહ્યું કે, સાંજે 5:00 વાગ્યે સેમ્પલ લેવાનું બંધ થઈ જાય છે અને ડોકટર જતાં રહે છે માટે આપ ઝડપથી સાંજે 5:00 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચી જજો. સાહેબ સાથે મારે સાંજે 4:10 વાગ્યે વાત થઈ અને હું તરતજ મારી બાઇક પર કતારગામ અર્બન હેલ્થ સેન્ટર તા :23/05/2020 ના રોજ સાંજે આશરે 4:22 વાગ્યે પહોંચી ગયો.
અર્બન હેલ્થ સેન્ટર પર પહોચતા જ મેં કેસ કઢાવી ડોકટર પાસે તપાસ અર્થે પહોંચી ગયો. ડોકટર સામે મેં મારી વાત મૂકી અને બે દિવસ દરમ્યાન મારા શરીરમાં જે કાંઈ લક્ષણો દેખાયાં અને સ્વાસ્થયલક્ષી જે ફેરફારો થયા છે કે જે સામાન્ય રીતે કોરોના પોઝિટિવ દર્દીમાં જોવા મળે છે એ સંદર્ભે વિસ્તૃત જાણકારી આપ્યા બાદ મેં કહ્યું કે હું મારો કોરોના ટેસ્ટ કરાવવા માંગુ છું .
ડોકટર સામે મેં કોરોના ટેસ્ટ કરાવવા માટે વાત મુકતા સાથે જ ડૉકટર દ્વારા સવાલો પૂછવાના શરૂ થયાં.
ડૉ : શું તમે કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાં છો?
હું : મને ખ્યાલ છે ત્યાં સુધી તો નથી આવ્યો .
ડૉ: બીજું શું શું થાય છે? શું શરદી ,ઉધરસ છે, શ્વાસ ચડે છે? વગેરે વગેરે …
હું : મને હાલ તો ખુબ તાવ છે અને સૂકી ઉધરસ આવે છે.
ડૉ : શું તમે કોઈ ડોકટર પાસે આ બાબતે સારવાર લીધી છે?
હું : ના મેં આ બાબતે કોઈ ડૉકટર પાસે સારવાર લીધી નથી. મેં સારવાર હેતુ સૌ પ્રથમ મેડિકલ હેલ્પલાઈન નં 104 પર ફોન કર્યો હતો તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પણ ટેસ્ટ કરાવવા હેતુ સંપર્ક કર્યો હતો. જેમાં સફળ ન રહેતાં મેં સુરત મ્યુ. કોર્પોરેશનના એક ઉચ્ચ અધિકારીનો સંપર્ક કરતાં તેમના દ્વારા મને અહીં કતારગામ અર્બન હેલ્થ સેન્ટર પર 5:00 વાગ્યા સુધીમાં પહોંચી જવા સલાહ આપવામાં હતી જેથી હું ઝડપથી અહીં તપાસ અર્થે તમારાં પાસે આવ્યો છું .
ડૉ : તમે ક્યાં ક્યાં ગયાં હતાં કોને મળ્યાં હતાં તેમજ તમને કોઈ વ્યક્તિ પર શંકા છે કે જેમનાં સંપર્કમાં તમે આવ્યાં હોવ અને એમને કોરોના ના લક્ષણો હોય?
હું : હું બે દિવસ દરમ્યાન ઓલપાડ પાસે સરોલી ગામ પાસે એક કામથી ગયો હતો તેમજ આ સિવાય કોસાડ ખાતે એક મિત્રની ઓફીસ પર અને મોટા વરાછા ખાતે એક મિત્રના ઘરે ગયો હતો. હું જે કોઈ વ્યક્તિઓને મળ્યો છું તેમાંથી કોઈ ને પણ તાવ, શરદી, ઉધરસ ,શ્વાસ ચડવો, વગેરે વગેરે જેવું કંઈ હોય તેવું પ્રથમ નજરે તો મને લાગ્યું નથી. તેમ છતાં જો આ પ્રકારના કોઈ લક્ષણો હોય તો મને એ વિષે કોઈ ચોક્કસ ખ્યાલ નથી.
વગેરે વગેરે પ્રશ્ન ડોકટર દ્વારા પુછાયા અને તેના જવાબો મારા પાસેથી મેળવી લીધાં બાદ પ્રથમ તો તેમનો જવાબ હતો કે તમે પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યાં નથી તેમજ તમને એવા ખાસ કોઈ લક્ષણ દેખાતાં નથી તો તમારે કોરોના ટેસ્ટ શું કામ કરાવવો છે? કોઈ ખાસ કારણ?
મેં કહ્યું, કે મને તાવ ખુબ છે, બે દિવસથી ઉધરસ આવે છે અને મને શંકા છે કે જે ઝડપથી મારી તબિયત બગડી છે એ જોતાં મારે કોરોના માટે ટેસ્ટ કરાવી લેવો જોઈએ. જેથી જો હું કોરોના પોઝીટીવ હોવ તો સંક્રમણ આગળ ફેલાતાં અટકે એ માટે જ હું ટેસ્ટ કરાવવા અહીં આવ્યો છું.
ડોક્ટરે ફરી એક પ્રશ્ન પૂછ્યો કે આપ મ્યુ. કોર્પોરેશનના આ ઉચ્ચ અધિકારીને કેવી રીતે ઓળખો છો. જેના જવાબ માં મેં કહ્યું, કે હું એક સોશયલ એક્ટિવિસ્ટ તેમજ RTI એક્ટિવિસ્ટ પણ છું અને સુરત ખાતે ભ્રષ્ટાચાર, કોર્પોરેશનને લગતા પ્રશ્નો માટે અને પર્યાવરણના મુદ્દા પર કાયદાકીય રીતે કામ કરૂં છું. અને આ માટે ઘણી વાર રજુઆત હેતુ એમનાં પાસે જતાં હોય છે તેમજ ઘણા સામાજીક કાર્યોમાં સાહેબ અમારી રજુઆત ધ્યાને લઇ ને કામ કરતાં હોય છે માટે એમનાં સાથે સંપર્ક થતો હોય છે. આ સાંભળ્યા બાદ ડોક્ટરે મને કહ્યું કે જુઓ કોરોના ટેસ્ટ એમ થતો નથી અને અત્યારે તો એમ પણ સેમ્પલ લેવાનું કામ પૂરું થઈ ચૂક્યું છે અને બધાં સેમ્પલ પણ મોકલી દેવાયા છે. તેમજ સેમ્પલ સીધાં એમ લઈ લેવાતાં નથી. સેમ્પલ લેવાં માટે અમારે ઘણી તૈયારીઓ કરવી પડે છે, અમારી સલામતી હેતુ PPE કીટ પણ પહેરવી પડે છે તેમજ એક સાથે બીજાં 3 થી 4 પેશન્ટ હોય તો સેમ્પલ લેવાનું અમને સારું પડે છે. મેં સામે દલીલ કરતાં કહ્યું, કે મને હાલ જે તકલીફ થઈ રહી છે એ જોતાં તમારે મારો કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ લેવું જોઈએ. તો ડોકટર કહે છે, કે હાલ તમારું ચેકઅપ કરી તમને દવા આપીએ છીએ માટે તમે આવતીકાલે સવારે 11:30 વાગ્યે આવજો તમારૂ સેમ્પલ લઈ લેશું.
ત્યારબાદ સિસ્ટર દ્વારા મારું બ્લડ પ્રેશર, ટેમ્પરેચર અને પલ્સ ચેક કરાયા. બધું ચેક થયાં બાદ સિસ્ટર દ્વારા મને સલાહ અપાઈ કે આપ આ કેસ પેપર ડોક્ટરને જરૂર બતાવી દેશો. ત્યારબાદ બ્લડ રિપોર્ટ હેતુ મારું બ્લડ લેવાયું અને જે રિપોર્ટ તા :25/05/2020 ના રોજ સોમવારે આવી લઈ જવા જણાવ્યું. કેસ પેપર લઈ ડૉકટર પાસે ગયો પણ ડૉક્ટર ત્યાં ના મળતાં હું પ્રથમ તપાસ સમયે કેસ પેપરમાં લખેલ દવા લેવા માટે હું બાજુની રૂમમાં ગયો. દવા લઈ રહ્યો હતો એ દરમ્યાન ઉતાવળમાં ભાગતા ડૉક્ટરને મારુ કેસ પેપર જોવા જણાવ્યું અને કહ્યું, કે મને સિસ્ટરે તમને ફરી કેસ પેપર દેખાડવાનું કહ્યું છે. ડૉકટરે મારો કેસ પેપર તપાસતાં આંચકા સાથે કહ્યું કે ઓહહ બાપા તમારું બ્લડ પ્રેશર તો બહુ જ વધારે છે. ત્યારબાદ ડૉક્ટરે કહ્યું, કે કાંઈ વાંધો નહીં તમે આ દવા લઈ લો અને આવતીકાલે સવારે 11:30 વાગ્યે ફરી અહીં આવો. મને થયું, કે સાલું આ તો ગજબ કહેવાય.
મેં આ સમયે અનુભવ્યું કે કોરોના પોઝિટિવ હોવા માટે જે સામાન્ય લક્ષણો જોવા મળે છે એ લક્ષણો મારામાં છે અને એ લક્ષણો હોવા ના કારણે જ સામે ચાલીને હું ટેસ્ટ કરાવવા આવ્યો હતો અને એ ટેસ્ટ માટે પૂરતો સમય હોવા છતાં પણ કોરોના ટેસ્ટ માટે મારુ સેમ્પલ લેવાયું નહીં અને એ સેમ્પલ માટે એક દિવસ વધુ ટાળી દેવામાં આવ્યો. કેટલી ઘોર બેદરકારી.
માની લો કે હું ટેસ્ટ ના લેવાના કારણે એવું માની બેસું કે મને વિશેષ કોઈ તકલીફ નથી માટે મારે ગભરાવાની જરૂર નથી અને જેથી હું જ્યાં ઈચ્છું ત્યાં બહાર જઈ શકું છું તો આ બાબતે પરિણામ શું આવી શકે? શું આ બેદરકારીના કારણે મારા પરિવાર અને મારા સંપર્કમાં આવનાર લોકો જો કોરોના વાઇરસથી સંક્રમિત થાય તો તેની જવાબદારી કોની ?
ડૉક્ટર ની સૂચના મુજબ તેમણે આપેલ દવા એ દિવસે લઈ બીજાં દિવસે ડૉક્ટર દ્વારા આપેલ સમય પર સવારે 11:30 વાગ્યે ફરી કતારગામ ઝોનના એજ અર્બન હેલ્થ સેન્ટર પર ડૉકટર પાસે તપાસ અર્થે હું પહોંચી ગયો. ડૉકટરે પૂછ્યું તમને હવે કેમ છે? મેં કહ્યું તાવ બિલકુલ નથી અને ઉધરસમાં ગઈ કાલ કરતાં આજે 50% જેટલી રાહત છે અને થોડી નબળાઈ છે. ડૉક્ટર દ્વારા આ બાદ પૂછવામાં આવ્યું, કે તો શું હવે તમારે કોરોના ટેસ્ટ કરાવવો છે? મેં કહ્યું, એ નિણર્ય હું તમારાં પર છોડું છું.
ત્યારબાદ ડૉક્ટરે ફરી પલ્સ, ટેમ્પરેચર અને બ્લડ પ્રેશર ચેક કરાવી લાવવા જણાવ્યું. ચેકઅપ બાદ ડૉક્ટરે મને સામેથી કોરોના ટેસ્ટ હેતુ સેમ્પલ આપવા જ્યાં સેમ્પલ લેવાઈ રહ્યા હતાં ત્યાં જવા જણાવ્યું. જેથી નીચે આવીને સેમ્પલિંગ હેતુ ઘણાં પેશન્ટ હોવાના કારણે હું લાઈનમાં બેઠો. મારો વારો આવતાં મારા પાસેથી મારા સ્વાસ્થ્ય અને મારા ઘરના અન્ય સભ્યો વિષે તેમજ ઘરનું પૂરું સરનામું સાથે અન્ય માહિતીઓ પણ લેવામાં આવી. સેમ્પલ લેતા પહેલાં ડોકટર દ્વારા મને સૂચના આપવામાં આવ્યાં કે સેમ્પલ લેવામાં આવે ત્યારે થોડીવાર સુધી શ્વાસ રોકી રાખજો. શ્વાસ રોક્યા બાદ વારાફરતી નાકમાં બંને બાજુએ ઊંડે સુધી સળી નાખવામાં આવી અને એ બંને સળીઓ અલગ અલગ ટ્યુબ માં મૂકી દેવામાં આવી. આ રીતે મારું કોરોના ટેસ્ટ હેતુ સેમ્પલ લેવામાં આવ્યું .
● મારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ તંત્રની કામગીરી…
બીજાં દિવસે સવારે આશરે 9:30 વાગ્યાથી મારા ફોન નં પર ફોન પર ફોન આવવાના ચાલુ થઈ ગયા. મને એક પછી એક પ્રશ્નો પૂછવાના શરૂ થયું. તમે ક્યાં ગયા હતાં ? કોને કોને મળવા ગયાં હતાં. તેમજ મારા પાસેથી હું જેમનાં સંપર્કમાં આવ્યો હતો એ તમામના નામ, મોબાઈલ નં અને સરનામાં પણ લેવામાં આવ્યાં. કુલ મળીને પાંચ થી છ અધિકારી/ડૉકટર દ્વારા આ વિષે મારા પાસેથી સંપૂર્ણ માહિતી લેવામાં આવી જે માટે મેં પ્રમાણિકપણે સંપૂર્ણપણે સહયોગ પણ આપ્યો. થોડીવારમાં તો SMC ના અધિકારી અમારા એપાર્ટમેન્ટના કેમ્પસમાં પણ આવી પહોંચ્યા હતાં અને મને ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે જવા માટે તૈયાર રહેવા સૂચના અપાઈ. અધિકારી મને પોઝિટિવ રહેવા તેમજ બિલકુલ ના ગભરાવવાની સૂચના આપી રહ્યાં હતાં. અધિકારીઓ નો આ વ્યવહાર મને ખૂબ સ્પર્શી ગયો. જો કે મને ના તો કોઈ ડર હતો ના તો કોઈ ગભરામણ. એક સવાલ જરૂર થઈ રહ્યો હતો જેટલી સંવેદના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં પછી જોવા મળી એ ટેસ્ટ હેતુ સેમ્પલ લેવા માટે જોવા ના મળી. આવું કેમ? શું આવી રીતે આપણે કોરોના પર વિજય મેળવી શકીશું?
મને ન્યુ સિવિલ હોસ્પિટલ લઈ જવા માટે 108 12:00 વાગ્યે આવશે એવી સૂચના મળતા જ મેં એ દિવસે ઘરે જ ફટાફટ જમી લીધું અને હોસ્પિટલ લઈ જવા માટેનો મારો તમામ સમાન પણ પેક કરાવી લીધો. આશરે 12:10 વાગ્યે સાયરન વાગવા લાગ્યું, 108 મને લેવા માટે એપાર્ટમેન્ટનાં કેમ્પસમાં આવી ચૂકી હતી. મારી સોસાયટીમાં દરેક ખૂણેથી, બાલ્કની અને બારીમાંથી લોકો મને નિહાળી રહ્યાં હતાં અને કુતુહલવશ મને જોઈ રહ્યાં હતાં. તેમાંનાં ઘણા લોકો વિડીયો પણ ઉતારી રહ્યાં હતાં. મનમાં મંદ મંદ હાસ્ય સાથે વિચારી રહ્યો હતો કે રોડ પર અકસ્માત થયેલ વ્યક્તિને અનેકવાર 108માં બેસાડી ને હોસ્પિટલ પહોંચાડનાર આજે પોતે 108માં બેસી હોસ્પિટલ જઈ રહ્યો છે. સાલો સમયનો ખેલ જબરો કહેવાય નહીં? 😀
● ન્યુ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં બાદનો અનુભવ…
ન્યુ સિવિલ હોસ્પિટલમાં નવા બિલ્ડીંગ ખાતે કાગળની જરૂરી કાર્યવાહી બાદ ફરી મને 108માં બેસાડી ન્યુ સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાં વોર્ડ H3 માં ત્રીજા માળે તા : 25/05/2020ના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે એડમિટ કરાયો જ્યાં મને એક બેડ આપવામાં આવ્યો .

જીવનમાં પહેલીવાર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુ એડમિટ થયો હતો. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ અમારા વોર્ડમાં રહેલ અસુવિધાઓ અને ગંદકીઓ મારા ધ્યાને આવવા લાગી હતી. જે જોઈને તો મારા હોંશ જ ઉડી ગયાં. સડી ગયેલાં અને ધૂળથી મેલા ગાદલાં, મેલી બેડશીટ, મેલી ચાદર અને મેલું ઓશીકું તેમજ તેનું કવર એટલું જ મેલું. ઘણાં સમયથી વૉર્ડ સાફ કરવામાં આવ્યો ના હોવાથી ધૂળ ભોંયતળિયે જામી ગઈ હતી, ચીકણું ચીકણું થઈ ગયું હતું. પંખા ધૂળથી અને જામી ગયેલાં કચરાથી ઢંકાયેલાં હતા, સંડાસ-બાથરૂમ અતિશય ગંદા અને અતિશય દુર્ગંધ મારતી હાલતમાં હતાં.

સંડાસ-બાથરૂમના વિભાગમાં સ્લેબ ફાટી ચુક્યો હોવાના કારણે સમયાંતરે ગાબડાં પડી રહ્યા હતાં જે સલામતીના હેતુથી પણ ભયજનક હતું, બાથરૂમ ની એક દીવાલ પર જુનાં અને સડી ગયેલાં પ્લાસ્ટિકના મોટાં મોટાં કટકાઓ પડ્યાં હતાં, બેડ પર સુઇએ તો બેડ પણ કરડે અને જો પંખો ચાલુ કરીએ તો બોનસમાં ઉપરથી જામી ગયેલાં ધૂળરૂપી કચરો અમારાં પર એ રીતે પડે કે જાણે એ મારું સ્વાગત કરી રહ્યો હોય. હું પોતાની જાત ને જ પૂછી રહ્યો હતો કે શું આ દર્દીની સારવાર હેતુ હોસ્પિટલ છે કે કોઈ ગંભીર ગુન્હો કરેલ આરોપીને સજા આપવા બનાવેલ કાળકોઠડી.

ધીમે ધીમે સમય પસાર થઈ રહ્યો હતો અને હું ઊંડા વિચારોમાં સરી પડ્યો કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને કેવી હાલતમાં રાખવામાં આવે છે. હું તો પહેલીવાર કોરોના પોઝિટિવ દર્દી તરીકે અહીં સારવાર હેતુ દાખલ થયો છું પણ સામાન્ય દિવસોમાં પણ સામાન્ય અને ગરીબ/મજૂર દર્દીઓને કેવી દર્દનાક પરિસ્થિતિમાં રાખવામાં આવે છે તેનો અનુભવ હું પ્રત્યક્ષ રીતે કરી રહ્યો હતો. હું મનમાં જ બબડી રહ્યો હતો કે અહીંયા આવી ગંદકી ભરી પરિસ્થિતિમાં કોઈ બીમાર દર્દીની સારવાર કેવી રીતે શક્ય છે. અહીંયા તો કોઈ સારો અને નિરોગી માણસ પણ બીમાર પડી જાય તેવું વાતાવરણ અને પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં તો દર્દીના દરેક મૂળભૂત અને માનવધિકારોનું હનન થઈ રહ્યું છે.

બપોરે 1:30 વાગ્યે એડમિટ થયાં હોવાં છતાં 4:00 વાગ્યા સુધી પણ હજુ વૉર્ડમાં રહેલ એકપણ દર્દીને ડૉકટર તપાસવા પણ આવ્યા ના હતાં. એટલે હું સિસ્ટર પાસે ગયો અને પૂછ્યું કે સિસ્ટર ડોકટર તપાસ અર્થે ક્યારે આવશે? સિસ્ટરે કહ્યું, ડૉકટર આવશે. સાથે પૂછ્યું કે તમને કાંઈ થઈ રહ્યું છે તો જણાવો નહીં તો તમારી દવા આવી ગઈ છે જે સાંજે તમને આપી દેવાશે. ત્યારબાદ સાંજે 5:00 વાગ્યે ફરી સિસ્ટર પાસે ગયો અને કહ્યું, મને થોડું પેટમાં દુઃખે છે તો આપ ડોક્ટરને બોલાવી આપો. તેમ છતાં ડૉકટર તપાસ અર્થે આવ્યાં નહીં. મને દરેક પરિસ્થિતિનું અવલોકન કરવું હતું અને માહિતીઓ એકત્ર કરવી હતી એટલે ઘણી તકલીફો પડવા છતાં પણ શાંત રહ્યો. હું જોવા ઇચ્છતો હતો કે અહીં કેવાં કેવાં પ્રકારની અવ્યવસ્થાઓ છે ,જે સામાન્ય દિવસોમાં પણ જોવા મળતી હશે. આશરે સાંજે 5:45 વાગ્યે પ્રથમ વખત કોઈ આવ્યું અને મારું બ્લડ લેવા હેતુ સોઈ નસમાં ભરાવી. સોઈ તો જાણે એવી રીતે ભરાવી કે જાણે સોઈ કોઈ નિર્જીવ વસ્તુમાં ભરાવી રહ્યો હોય. ત્યારબાદ આશરે 6:30 વાગ્યે બ્લડ પ્રેશર મપાયું. અને આશરે 7:15 એ ECG કરવામાં આવ્યું. જે માટે મારી આખી છાતી પર, બંને હાથ પર તેમજ બંને પગે જેલ લગાવાયું. તપાસ થઈ ગયા બાદ એ જેલ સાફ કરવાની તસ્દી પણ ના લેવાઈ કે ના એ સાફ કરવા માટે મને કોઈ ટીસ્યુ પેપર આપવામાં આવ્યો. જેલ ખુબ લગાડી હોવાના કારણે મારાં કપડાં પણ ગંદા થયાં. મેં નક્કી કર્યું હતું કે હું આ દિવસો દરમ્યાન શાંત રહીશ અને દર્દી સાથે જે કાંઇ ઘટી રહ્યું છે એ દરેક બાબતને નોંધીશ માટે ગુસ્સો તો ખુબ આવ્યો હોવાં છતાં હું ફરી શાંત રહ્યો અને એ જેલ મેં બાથરૂમમાં જઇ પાણીથી સાફ કર્યું. ખુબ સાફ કરવા છતાં પણ હાથ ચીકણો જ રહ્યો અને રાત્રે મારે એજ ચીકણા હાથે જમવું પડ્યું કેમ કે ત્યાં હાથ સાફ કરવા હેતુ ના તો સાબુ હતો ના હેન્ડવોશ.

સુરત શહેરમાં કોરોના મહામારી સંદર્ભે કોરોના પોઝિટિવ દર્દીઓને રાખવા માટે હંગામી ધોરણે વેસુ વિસ્તારમાં આવેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં સમરસ કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. મારી જાણકારી છે એ મુજબ, સિવિલ હોસ્પિટલમાંથી સમરસ કોવિડ કેર સેન્ટર, વેસુ ખાતે એવાં જ દર્દીઓને મોકલી આપવામાં આવે છે કે જેને કોઈ વિશેષ સારવારની જરૂર હોતી નથી. કેમ કે, ત્યાં વિશેષ સારવાર આપવા માટે કોઈ મેડિકલ સુવિધાઓ ઉભી કરવામાં આવી નથી. માટે વિશેષ સારવારની જરૂર હોય કે મેળવી રહ્યાં હોય તેવાં કોરોના પોઝિટિવ દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે જ રખાય છે. જે કોઈ દર્દીને સમરસ કોવિડ સેન્ટર ખાતે રાખવામાં આવ્યાં હોય અને એ દરમ્યાન જો તેમની તબિયત ખરાબ થાય છે તો તેવાં દર્દીને ફરી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે.

● ન્યુ સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3માં દર્દી માટે નાસ્તો અને જમવાની વ્યવસ્થા બાબત…
જમવા બાબતે પણ બહાર જે સમાચાર ફેલાવાઈ રહ્યાં છે એ સંપૂર્ણ સાચા નથી. બહાર એવું જાહેર કરવામાં આવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલ દરેક કોરોના પોઝિટિવ દર્દીને હોટેલ Marriott Surat નું જમવાનું આપવામાં આવે છે. તો એ બાબતે મારો અનુભવ કંઇક જુદો રહ્યો છે. મને જ્યાં સુધી સિવિલ માં રખાયો (બે દિવસ કરતાં વધું સમય) ત્યાં સુધીમાં જે દિવસે મને એડમિટ કરાયો હતો તે એક જ દિવસ તા : 25/05/2020 ના રોજ રાત્રે 07:30 વાગ્યે હોટેલ Marriott Surat નું જમવાનું આપવામાં આવ્યું છે. ત્યાર પછી એક પણ દિવસ હોટેલ Marriott Surat નું જમવાનું અપાયું નથી. ત્યારે સમજાયું કે હોટેલ Marriott Surat ના નામે માત્ર જાહેરાતો અને પ્રચાર જ થઈ રહ્યો છે. એક દિવસ સવારે ચા અપાઈ તો બીજા દિવસે ચા ના મળી. સવારે દૂધ સાથે છુટ્ટી બે બ્રેડ અપાતી. એક દિવસ દૂધ 200ml ના પાઉચમાં અપાયું તો બીજા દિવસે દૂધ છૂટું અપાયું. એ દૂધ એક મોટા તપેલામાં ભરેલું હતું અને તેમાંથી ભરી ભરીને એક નાના કપમાં દૂધ અપાઇ રહ્યું હતું. દૂધ છૂટું અપાઈ રહ્યું હોવાના કારણે મેં તે દિવસે એ દૂધ લેવાનું ટાળ્યું. કેમ કે, અમે સૌ કોરોના વાઇરસ થી સંક્રમિત દર્દીઓ છીએ ત્યારે આ રીતે છૂટું દૂધ લેવું મને યોગ્ય ન લાગ્યું. તેમજ સવારે 10:30 એ પૌવાબટેકા નાસ્તામાં આપવામાં આવતા. બપોરે અને રાત્રે એમ બે ટાઈમ જમવાનું આપવામાં આવતું. જેમાં શાક-રોટલી અને ક્યારેક દાળ-ભાત તો ક્યારેક ખીચડી અપાતી.
● ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતાં પ્રમાણમાં પીવા લાયક પાણીના અભાવ સંદર્ભે…
ન્યુ સિવિલ હોસ્પિટલના વૉર્ડ H3માં પીવા લાયક પાણી પણ પુરતાં પ્રમાણમાં આપવામાં આવતું નથી. એડમિટ કરવામાં આવ્યો એ દિવસે હું તો મારા ઘરે થી બે પીવા લાયક પાણીની બોટલ સાથે જ લઈ ગયો હતો એટલે થોડો સમય મારે પીવા લાયક પાણી હેતુ કોઈ માંગણી કરવાની જરૂર ના હતી. પણ મારી બાજુના જ બેડ પર અન્ય એક કોરોના પોઝિટિવ દર્દી કે જેની ઉંમર આશરે 16 વર્ષ જેટલી હતી. તે પોતાનાં ઘરેથી પીવા લાયક પાણીની બોટલ સાથે લાવ્યો ના હતો જેથી તેને તરસ લાગતાં તેણે ત્યાં હાજર રહેલ સિસ્ટરને પીવા લાયક પાણી આપવાની રજુઆત કરી. એટલે સિસ્ટરે એ દર્દીને પૂછ્યું, કે તમે તમારાં ઘરેથી પાણીની બોટલ લાવ્યાં છો કે નહિ? દર્દી દ્વારા ના કહેવામાં આવતાં, સિસ્ટરે કહ્યું, કે બોટલ ઘરેથી લાવવી જોઈએ ને. આ સાંભળતા મને આશ્ચર્ય સાથે સવાલ થયો કે શું જે લોકો ઘરેથી બોટલ નહીં લાવ્યા હોય તેને અહીં પીવાનું પાણી પણ નહીં મળે! થોડાં સમય બાદ 20ltr ની મોટી પાણીની બોટલ જાહેરમાં મુકવામાં આવી. જેનું ઉપર નું ઢાંકણ પણ ખુલ્લું હતું અને એ બોટલ પણ અધૂરી હતી. આવી બોટલ મોટાં ભાગે દુકાનો/ઓફિસો/ફેકટરીઓ/પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતી હોય છે. એટલે મેં સિસ્ટર ને સવાલ પૂછ્યો કે આ 20ltr ની મોટી બોટલમાંથી નાની બોટલમાં પાણી કેવી રીતે ભરવું જેમાં નળ પણ નથી? અને આ બોટલનું ઢાંકણ પણ ખુલ્લું છે. જે કેટલાં સમયથી ખુલ્લું હશે અને તેમાં કેવા પ્રકારના વાઇરસ/જીવાણુઓ ભળ્યાં હશે તેની પણ કોઈ ચોક્કસ ખાતરી નથી માટે આ પાણી પીવા લાયક નથી. તેમજ એક પછી એક કોરોના પોઝિટિવ દર્દી આ બોટલને પકડી પોતાની બોટલમાં પાણી ભરશે તો આ રીતે એક દર્દી અન્ય દર્દીના સંક્રમણથી કેવીરીતે સલામત રહી શકશે. એ સાથે જ મેં સિસ્ટરને એ પણ કહ્યું કે અમને દરેક ને માત્ર પીવાનું પાણી નહીં પણ પીવા લાયક પાણી મળવું જોઈએ જે અમારો અધિકાર છે અને અમે એજ પાણી પીશું. હું તો નહીં પણ આ વોર્ડનો એક પણ દર્દી જાહેરમાં મુકેલ આ 20ltr ની બોટલમાંથી પાણી પીશે નહીં. મારાં દ્વારા કરેલ ઘણી દલીલ બાદ અમને દરેક દર્દીને 1ltr માત્રા ની બે બોટલ પીવા લાયક પાણી આપવામાં આવ્યું. આ રીતે વૉર્ડમાં રહેલ ઘણી બધી અવ્યવસ્થાઓ સંદર્ભની ફરિયાદ બાદ પહેલી ફરિયાદનું નિવારણ લાવી શક્યો.
એક બાજુ સરકાર અને તંત્ર દ્વારા આ મહામારી વધુ ના ફેલાઈ અને સલામતી કેવીરીતે રાખી શકાય છે એ હેતુ ઘણી પ્રકારની જાહેરાતો દ્વારા દેશ/રાજ્યના નાગરિકોને જાણકારી તેમજ તકેદારી ના પગલાઓ લેવાં તથા તેનું પાલન પણ કડકડપણે કરવાની સૂચના આપી રહ્યાં છે અને તેનો ભંગ કરનારને દંડ કરવામાં આવી રહ્યો છે તેમજ ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે ન્યુ સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3 ખાતે સંક્રમિત થતાં બચવા માટે તકેદારીના કોઈપણ પ્રકારનાં પગલાઓ ભરાઈ રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું નથી તેમજ સરકાર દ્વારા અપાઈ રહેલી સૂચનાઓનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે જે આ બાબતો પરથી સ્પષ્ટ જણાઈ આવે છે. ત્યારે શું આ પરિસ્થિતિના તમામ જવાબદારો અને ગંભીર બેદરકારી દાખવનાર મેનેજમેન્ટ સામે સરકાર દ્વારા કાયદાકીય પગલાંઓ ભરાશે?
આખો દિવસ મારી સેનેટાઈઝર, સાબુ, માસ્ક તેમજ દરેક દર્દીને પીવા લાયક પાણી આપવા માટે તેમજ સંડાસ-બાથરૂમ અને આખા વોર્ડની સફાઈ હેતુ ઘણી ફરિયાદો બાદ માત્ર એક પીવા લાયક પાણીની ફરિયાદનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, એ પણ પૂરતાં પ્રમાણમાં નહીં. રાત્રે 11:30 વાગ્યે અગાઉ આપેલ પીવા લાયક પાણીની બોટલ ખતમ થઈ જતાં મેં પીવા લાયક પાણીની વધુ બોટલની માંગણી કરતાં મને સિસ્ટર દ્વારા સ્પષ્ટ ના કહી દેવામાં આવી હતી અને ચોખ્ખું સંભળાવી દેવામાં આવ્યું કે હોસ્પિટલ તરફથી માત્ર એક દર્દીને આખા દિવસમા 1ltr માત્રાની બે જ પાણી ની બોટલ આપવામાં આવે છે. જેથી તરસ્યા રહી ને એ રાત્રે સુવાનો સમય આવ્યો. હું પુરતા પ્રમાણમાં પીવા લાયક પાણી ના આપવા બાબતે ત્યાં વિરોધ કરી શકતો હતો પણ હું જાણતો હતો કે નર્સિંગ સ્ટાફ તો માત્ર ચિઠ્ઠીના ચાકર છે, જેમાં એમનો કોઈ વાંક નથી. હોસ્પિટલ તંત્ર એમને જે માત્રામાં વસ્તુઓ દર્દીને આપવા માટે આપતાં હશે એજ એ અમને આપવાનાં છે. જેથી મેં એમનાં સાથે આ બાબતે વધુ દલીલ કરવાનું ટાળ્યું. હું સિનિયર ડૉકટર કે મેનેજમેન્ટ હેડ ને પણ ફરિયાદ કરી શકતો હતો પણ મેં નક્કી જ કર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં હું એક એક્ટિવિસ્ટ તરીકે નહીં પણ સામાન્ય દર્દી બનીને જ રહીશ. અને ત્યારે જ મને ન્યુ સિવિલ હોસ્પિટલમાં રહેલ દરેક ખામીઓ જાણવા મળશે. માટે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું. પણ સાથે સાથે આ દરેક બાબત હું નોંધી રહ્યો હતો.
● સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3માં વૉર્ડ ઇન્ચાર્જ આવ્યાં બાદ…
બીજી સવારે અમારાં વૉર્ડમાં વૉર્ડ ઇન્ચાર્જ તરીકે એક મહિલા મુકાયા. વૉર્ડ ઇન્ચાર્જના આવતાં સાથે મેં અમને પડી રહેલી તકલીફો તેમજ વૉર્ડમાં રહેલ અસુવિધાઓ વિષે વિનમ્રતાથી ફરિયાદ કરી. વૉર્ડ ઇન્ચાર્જને ફરિયાદ કરતાં કહ્યું, કે 24 કલાક જેટલો સમય વીતી ગયાં હોવા છતાં પણ અમને સેનેટાઈઝર, માસ્ક, બાથરૂમમાં નહાવા માટે પાણીની ડોલ, ટબ, સાબુ આપવામાં આવ્યાં નથી. સંડાસ-બાથરૂમ અતિશય ગંદા અને વાંસ મારતાં હોવાં છતાં ગઈકાલથી સફાઈ કરવામાં આવી નથી. પુરતાં પ્રમાણમાં પીવા લાયક પાણી પણ અમને આપવામાં આવતું નથી. આગળ ફરિયાદ કરતાં કહ્યું, કે અમને જે ગાદલાં માં સુવડાવામાં આવી રહ્યાં છે એ પણ સડી ગયાં છે, ઓશિકા અને બેડશીટ પણ ખુબ જ ગંદા છે, વૉર્ડ આખો ગંદો છે અને પંખા પરથી જામી ગયેલી ધૂળ અને કચરો અમારાં પર પડી રહયો છે. આવી પરિસ્થિતિમાં અમને અહીં સારવાર કરી સાજા કરવા હેતુ રાખવામાં આવ્યા છે કે સુરત શહેરનો મૃત્યુ દર વધારવા. અહીં તો સારો અને બિલકુલ નિરોગી અને સ્વસ્થ માણસ પણ બીમાર પડી જાય તેવી ગંદકી અને અવ્યવસ્થાઓ છે. અમારાં દરેક મૂળભૂત અને માનવધિકારોનું અહીં હનન થઈ રહ્યું છે. સંડાસ-બાથરૂમ અતિશય ગંદા હોવાના કારણે બે દિવસ હું ન્હાયો પણ ના હતો ના હું ટોયલેટ ગયો હતો. મને ખ્યાલ હતો કે આ રીતે ટોયલેટ ના જવું એ મને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ નુકશાન પહોંચાડી શકે છે. પણ અતિશય ગંદકી જોઈ હું ન્હાવા માટે કે ટોયલેટ જવા માટે હિંમત જ ન કરી શક્યો. બે સંડાસ હોવાં છતાં પણ એક બંધ હાલતમાં હતું જેથી 25 જેટલા દર્દીઓ વચ્ચે માત્ર એક જ સંડાસની સુવિધા હતી. આવી ગંદકી અને સડી ગયેલું ગાદલું અને ઓશિકાના કારણે બે દિવસ ઊંઘી પણ શક્યો નથી. એક સફાઈ કર્મચારી પાસેથી ગાદલાં, ચાદર, ઓશિકા અને તેના કવરની સફાઈ સંદર્ભે જાણવાનો પ્રયત્ન કર્યો જે સાંભળી મારા તો હોશ ઉડી ગયાં. સફાઈ કર્મચારીના કહેવા મુજબ ચાદર અને ઓશિકાના કવર દર ગુરુવારે અને સોમવારે બદલવામાં આવે છે. ક્યારેક તો એજ ચાદર અને કવરને ધોઈ ને સાફ કરવાના બદલે એજ ચાદર અને ઓશિકાના કવરને ઉલટા કરી ફરી ઉપયોગમાં લેવાય છે. જ્યારે આ રીતે સફાઈ બાબતે બેદરકારી રખાતી હોય ત્યાં દર્દી સાજા થવાનાં બદલે વધુ બીમાર પડવાની શક્યતાઓ વધી જાય છે. શું હોસ્પિટલના મેનેજમેન્ટને આ બાબતે કોઈ જાણ હશે ખરાં કે જાણ હોવાં છતાં પણ અજાણ બનીને દર્દીના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની ટેવ પડી ગઈ છે? સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ/તંત્ર આટલું અસંવેદનશીલ કેવીરીતે બની રહી શકે? શું સામાન્ય ગરીબ માણસના જીવની કોઈ કિંમત નથી? શું સામાન્ય માણસની કિંમત માત્ર મત સુધી જ સીમિત રહી ચુકી છે?
● એક અતિ ગંભીર બાબતે તંત્રની બેદરકારી…
50 વર્ષની ઉંમરના એક કાકાને ( નામ નથી લખતો ) કોરોના પોઝિટિવ દર્દીને અમારા જ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જે SRP-11 ટુકડીના પોલીસ જવાન હતાં. જે સુગર પેશન્ટ પણ હતાં. સુગર કંટ્રોલ કરવા હેતુ એ પોતાનાં ઘરે સુગર વધારે તેવો ખોરાક એટલે કે ભાત અને બટેકા જેવી ચીજવસ્તુઓ ખોરાકમાં લેવાનું ટાળતા હતાં. જે તેમને અહીં લેવાની ફરજ પડી રહી હતી. કેમ કે અહીં અમારા વોર્ડમાં તો દરેક દર્દીને એક સરખી જ જમવાની ડિશ અપાતી હતી. આ બાબતે કાકા એ સિસ્ટરને રજુઆત પણ કરેલી. તેમ છતાં કોઈ ધ્યાન અપાઈ રહ્યું ના હતું. દર્દીના સ્વાસ્થ્ય સંદર્ભે કેટલી ઘોર બેદરકારી દાખવાઈ રહી હતી તેનો આ ઉત્તમ નમૂનો છે. એક તરફ સુગર પેશન્ટ ને સુગર કંટ્રોલ કરવા ઈન્જેક્શન અપાય છે અને બીજી તરફ સુગર વધે તેવો ખોરાક અપાઈ રહ્યો છે. આ રીતે તો કોઈ સુગર પેશન્ટનું સુગર કંટ્રોલ કેવી રીતે રહી શકે? આ ગંભીર બેદરકારી સુગરના દર્દી માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. જો આવી કોઈ ઘટના ઘટે છે તો તેની જવાબદારી કોની એ પણ એક ખુબ મોટો અને ગંભીર પ્રશ્ન છે.
વારંવારની મારી ફરિયાદો બાદ વૉર્ડમાં સંડાસ-બાથરૂમમાં થોડી સફાઈ થઈ. પણ એ સફાઈ ના થવા બરાબર જ હતી. બસ મારા જેવા ની ફરિયાદના કારણે કરવા ખાતર સફાઈ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું હતું. સેનેટાઈઝરની એક બોટલ આશરે 25 દર્દીઓ વચ્ચે મુકવામાં આવી. આ રીતે એક દર્દી બીજાં દર્દીના સંક્રમણથી કેવી રીતે બચી શકે? દરેક દર્દીને માસ્ક આપવામાં આવ્યાં, બાથરૂમમાં ન્હાવા માટે પાણીની ડોલ અને ટબ મુકાયું સાથે સાબુના કટકા અપાયાં. દર્દીઓને પીવા માટે ઉકાળેલું ગરમ પાણી આપવામાં આવ્યું. એ પણ જાહેરમાં બધાં વચ્ચે એક કેન ભરીને. જેમાંથી દરેક દર્દીએ વારાફરતી પાણી લેવાનું રહે છે જે સલામત ના કહી શકાય. શું આ રીતે એક દર્દી બીજા દર્દીના સંક્રમણથી બચી શકે ખરાં?
મારા દ્વારા વોર્ડમાં રહેલ ખામીઓ અને અસુવિધાઓ વિષે વારંવાર થઈ રહેલી ફરિયાદો વૉર્ડ ઇન્ચાર્જ તેમજ અમુક સ્ટાફને પસંદ આવી રહી ના હતી. ક્યારેક તો આ ફરિયાદોના જવાબમાં તેમનાં દ્વારા કહેવાતું કે તમને લોકોને હજુ કેટલીક સુવિધાઓ જોઈએ છે. હવે તમે જ કહો મિત્રો શું મેં કોઈ રાજ-મહલ બાંધી આપવા, વોર્ડમાં એરકન્ડિશન્ડ મુકવા, બેડ સોને મઢી આપવા માટે ફરિયાદો કરી હતી? મેં તો ફક્ત મૂળભૂત અને પ્રાથમિક સુવિધાઓ જે એક દર્દીને મળવાપાત્ર છે એ માટે ફરિયાદો કરી હતી. જે એમને પસંદ આવી રહી ન હતી.
● સિવિલ હોસ્પિટલમાં ડૉકટર અને નર્સિંગ સ્ટાફનો એક દર્દી સાથે નો વ્યવહાર…
સમરસ કોવિડ કેર સેન્ટર, વેસુ ખાતે જેટલી સરસ અને એક્સ્ટ્રા ઓર્ડિનરી સુવિધાઓ અપાઈ રહી છે અને ડૉક્ટર તેમજ તેના સ્ટાફનો જે પ્રેમાળ અને સહયોગ આપનારો વર્તાવ અનુભવ્યો ( જેની વિસ્તૃત જાણકારી આગળ નીચે આપેલ છે ) તેનાં થી બિલકુલ વિપરીત અનુભવ મને ન્યુ સિવિલ હોસ્પિટલમાં વોર્ડ H3માં થયો હતો. તપાસ માટે દર્દીની નજીક આવી ક્યારેય સિનિયર ડૉકટર દ્વારા દર્દીની તપાસ કરાઈ નથી. જ્યારે પણ સિનિયર ડૉકટર આવતાં ત્યારે દુરથી બૂમ પાડી દરેક દર્દીને પૂછી લેતાં કે કોઈને કાંઈ તકલીફ છે? દર્દી ના પાડે એટલે એ જતાં રહેતાં. દીવસ દરમ્યાન અહીંયા ત્રણ થી ચાર વખત જુનિયર ડૉકટર દ્વારા પલ્સ અને ટેમ્પરેચર ચેક કરાતું હતું. પણ તેમણે ક્યારેય દર્દીને ઉત્સાહિત કે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન નથી કર્યો જે પ્રયત્ન સમરસ કોવિડ કેર સેન્ટરમાં જોવા મળ્યો હતો. કોઈ બાબતની મૂંઝવણ હોય કે કંઈ જાણકારી હેતુ પ્રશ્ન પુછુ તો સરખો જવાબ દેવાની તસ્દી પણ લેવાતી ના હતી. એક જુનિયર ડૉકટર સારાં હતાં જેમનાં દ્વારા મને જાણકારી મળી કે મારી સારવાર ક્યાં સિનિયર ડૉકટર હેઠળ થઈ રહી છે.
એક ઉંમરલાયક દર્દીને બોટલ ચડાવવાનું શરૂ હતું. એ બોટલ પુરી થઈ ગયાં બાદ સમયસર તેની કાળજી ના લેવાતાં એ દર્દી ને બ્લડ નળીમાં ભરાવા લાગ્યું હતું. સિસ્ટરને મોટેથી ત્રણ વખત બુમો પાડયા બાદ પણ સ્ટાફ ના આવતાં મેં સ્ટાફ પાસે જઈ રજુઆત કરી હતી. આ પ્રકારની રજુઆત બાદ પણ સ્ટાફ દ્વારા પરિસ્થિતિની ગંભીરતા દાખવવાના બદલે મને અંદર મારા બેડ પર જ રહેવાની સલાહ અપાઈ રહી હતી. કેટલું અસંવેદનશીલ વર્તન? એજ દર્દીને બીજી વખત પણ આવો જ કડવો અનુભવ થતાં એ દર્દીએ બોટલ સાથે સ્ટાફ પાસે જઈ ને ઊભાં રહી ગુસ્સામાં જોરથી બૂમ પાડી કહ્યું કે જયાં સુધી મારી સોઈ નહીં કાઢો ત્યાં સુધી હું અહિયાં જ ઉભો રહેવાનો છું. ત્યારબાદ નર્સિંગ સ્ટાફ દ્વારા દર્દીના હાથમાંથી સોઈ કાઢવામાં આવી.
નર્સિંગ સ્ટાફના આ વર્તન બાદ ગુસ્સો તો મને ખુબ આવ્યો. અને મેં નર્સિંગ સ્ટાફને ફરિયાદ ના સ્વરમાં કહ્યું પણ, કે તમે લોકો કેટલાં અસંવેદનશીલ છો ત્યારે વળતો કોઈ જવાબ નહીં. બસ મૌન રહી એ આગળ વધી ગયાં અને હું આ દરેક બાબતને નોંધી રહ્યો હતો. જેથી સાજો થઈ બહાર નીકળું ત્યારે આ દરેક અવ્યવસ્થાઓ ના સુધારા માટે નક્કરપણે કામ કરી શકાય. ન્યુ સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3 અને સમરસ કોવિડ કેર સેન્ટરમાં આપવામાં આવતી સુવિધાઓ વચ્ચેનો ફરક સ્પષ્ટ દેખાઈ આવતો હતો ( જે વિષેની વિસ્તૃત જાણકારી નીચે આપેલ છે ).
એવું પણ નથી કે ન્યુ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફમાં રહેલ દરેક કર્મચારીઓ પોતાની ફરજ ચુકી રહ્યાં હતાં. સ્ટાફમાંના કેટલાંક કર્મચારીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવા સાથે પણ પોતાની ફરજ પુરી કરતાં હોવાનું પણ મેં નોંધ્યું છે. મેં આ નવ દિવસ દરમ્યાન એ પણ અનુભવ્યું છે કે ન્યુ સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3ના તેમજ સમરસ કોવિડ કેર સેન્ટના ડૉકટર, નર્સિંગ સ્ટાફ અને સફાઇ કર્મચારીઓ યોદ્ધાના જેમ પોતાનાં જીવના જોખમે પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. કેટલોક સ્ટાફ તો એક મહિના જેટલો સમય વીતી ગયાં હોવાં છતાં પણ પોતાનાં ઘરે પોતાનાં પરિવાર પાસે જઈ શક્યાં નથી. અમારી સારવાર કે ચેકઅપ માટે, વૉર્ડ કે રૂમની સફાઈ હેતુ આવતાં ત્યારે જુનિયર ડૉકટર અને સ્ટાફ PPE કીટ પહેરી હોવાના કારણે અતિશય ગરમી સહન કરી રહ્યાં હતાં અને બેચેની પણ અનુભવતાં હતાં, પરસેવાથી રેબઝેબ થઈ જતાં હતાં અને સફોકેશન થતું હોવાં છતાં પણ એ લોકો પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં. આ દરેક બાબત પણ હું જોઈ રહ્યો હતો સાથે નોંધી રહ્યો હતો. આ રીતે ફરજ નિભાવી રહેલ દરેક ડૉકટર, નર્સિંગ સ્ટાફ તેમજ સફાઈ કર્મચારીને મને જ્યારે પણ મોકો મળે ત્યારે હું તેમનો આભાર માનવાનું અને તેમને તથા તેમનાં કામને બિરદાવવાનું ચૂકતો ના હતો જેથી તેમના જુસ્સામાં પણ વધારો કરી શકાય.
● ન્યુ સિવિલ હોસ્પિટલમાં વૉર્ડ H3માં દાખલ અન્ય દર્દીઓ સાથેનો વાર્તાલાપ…
વોર્ડમાં રહેલ અન્ય દર્દીઓ સાથે પણ થોડી ચર્ચાઓ થઈ. હું જોઈ અને અનુભવી રહ્યો હતો કે ઘણા દર્દીઓ આ અવ્યવસ્થાઓથી ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે પણ બોલવાની હિંમત નથી અથવા આપણને સૌ ને જે ટેવ પડી ગઈ છે એ મુજબ સહનશક્તિ વધુ ને વધુ મજબૂત રાખી સહન કરી રહ્યાં છે. મેં વોર્ડમાં રહેલ દર્દીઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે, આપણે જે ગંદકી અને અવ્યવસ્થાઓનો ભોગ બની રહ્યાં છીએ એ આગળ ના દર્દીઓ કે જેમણે આ અવ્યવસ્થાઓ ભોગવી છે એ દર્દીઓ એ અવ્યવસ્થાઓ સામે અવાજ નથી ઉઠાવ્યો ના આ બાબતે કોઈ સુધારાઓ આવે તેવા કોઈ નક્કર પ્રયત્ન કર્યા છે. જેથી આપણે આ અવ્યવસ્થાઓ નો ભોગ બની રહ્યાં છે. આ અવ્યવસ્થા સામે જો કોઈ બોલશે જ નહીં, અવાજ જ નહીં ઉઠાવે તો બધું આજ રીતે ચાલ્યાં કરશે અને તેમાં કોઈ સુધારો નહીં આવે. હાલની પરિસ્થિતિ જોતાં તો એવું લાગી રહ્યું છે કે આ મહામારી ઘણાં લાંબા સમય સુધી ચાલી શકે છે ત્યારે બની શકે કે, હાલ જે પરિસ્થિતિ છે તેનાં કરતાં પણ વધું વિકટ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જે આપણાં સૌ માટે ભયાવહ સાબિત થઈ શકે છે.
મને ના તો આવી પરિસ્થિતિમાં ચુપ રહેવાની આદત છે ના સહન કરવાની માટે હું તો બોલીશ, અવાજ ઉઠાવીશ, ફરિયાદ કરીશ અને પરિસ્થિતિમાં સુધારો આવે એ માટે મારાથી બનતાં તમામ પ્રયત્ન પણ કરીશ. કેમ કે “અન્યાય અને અત્યાચાર કાયર સહન કરે અને હું કાયર નથી”. અહીં થી બહાર નીકળ્યાં બાદ પણ આ પરિસ્થિતિમાં સુધારો આવે અને દર્દીઓને જે પ્રાથમિક સુવિધાઓ મળવાપાત્ર છે એ મળી રહે એ બાબતે હું મારાથી બનતાં તમામ પ્રયત્નો કરીશ. માટે તમારાંમાંથી પણ જે કોઈ ને લાગે છે કે આપણને દર્દી તરીકે જે મળવાપાત્ર પ્રાથમિક સુવિધાઓ છે એ મળવી જ જોઈએ તો આ માટે ડર અને સહન કરવાનું છોડી અવાજ ઉઠાવવાની શરૂઆત કરો. ત્યારબાદ તેમાંનાં અમુક દર્દીઓ દ્વારા અવ્યવસ્થાઓ બાબતે ફરિયાદ કરવાનું ચાલું થયું હતું. જેના પરિણામે થોડાં સુધારાઓ પણ થયાં હતાં. આ સૂચવે છે કે જો તમે તમારાં હક અને અધિકાર મેળવવા માટેની લડાઈ લડવા નીડર બની અવાજ ઉઠાવો છો તો એ તમને ચોક્કસથી મળશે. માટે જરૂર છે અવાજ ઉઠાવવાની, બુલંદ બનાવવાની.
હવે તમે જ વિચારો કે મારું આટલું બોલવા તેમજ ફરિયાદો કરવા છતાં પણ જો વૉર્ડમાં આટલી અવ્યવસ્થાઓ અને ખામીઓ સર્જાયેલી હતી તો સામાન્ય દિવસોમાં કે કોઈ વ્યક્તિના ના બોલવાથી કેટલી અવ્યવસ્થાઓ અને ખામીઓ અહીં સર્જાયેલી રહેતી હશે. આ દરેક બાબત પરથી સાબિત થાય છે કે આરોગ્ય સેવાઓ આપણાં રાજ્યમાં/દેશમાં ખાડે ગયેલી છે તેમજ આઝાદીનાં વર્ષો બાદ પણ આપણાં દેશમાં/રાજ્યમાં આ ક્ષેત્રે કોઈ નોંધોપાત્ર સુધારો નથી થયો તેનું આ ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. રાજય/દેશની પ્રજા સહન કરવા તૈયાર છે, માથે દેવું કરીને હજારો અને લાખો રૂપિયા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવા તૈયાર છે. પણ જે સેવા રાજ્ય/દેશનાં દરેક નાગરિકને મફત મેળવવાનો મૂળભૂત અધિકાર છે તે સેવાઓમાં સુધારો આવે અને દર્દીને મળવાપાત્ર દરેક અધિકારો મળતાં થાય એ તરફના પ્રયાસો કરવામાં કોઈને રસ નથી. માટે જ આજે આપણાં દેશ/રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે આ પરિસ્થિતિ છે જેના જવાબદાર કંઇક ને કંઈક આપણે સૌ પણ છીએ.
તો મિત્રો, શું તમે પણ આરોગ્ય સેવાઓમાં સુધારો આવે અને દેશનો છેવાડાંનો નાગરિક પણ શ્રેષ્ઠ અને વિનામૂલ્યે મળવાપાત્ર આરોગ્ય સેવાઓ સરળતાથી મેળવી શકે તેમજ તમને મળવાપાત્ર દરેક હક અને અધિકાર મળતાં થાય એ માટે નીડર બની અવાજ ઉઠાવવા તૈયાર છો?
બસ આ રીતે સમય પસાર કર્યાના બે દિવસ બાદ 27/05/2020 ના રોજ આશરે બપોરે 3:15 એ સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે શિફ્ટ કરવા માટેની સૂચના અપાઈ. BRTS રૂટની બસમાં અમને આશરે 25 લોકોને એકસાથે સમરસ કોવિડ કેર સેન્ટર, વેસુ ખાતે લઈ જવામાં આવ્યાં. બસમાં બહેનો/મહિલાઓ પણ હતી. જગ્યા નો અભાવ હોવાના કારણે મેં એક મહિલા બસમાં ઊભાં હતાં જેથી મેં એમનાં માટે મારી સીટ ખાલી કરી આપી. અને ઊભાં ઊભાં જ આશરે 4:00 વાગ્યે હું સમરસ કોવિડ કેર સેન્ટર પહોંચ્યો.
● સમરસ કોવિડ કેર સેન્ટર , વેસુ ખાતે પ્રવેશ…
મને જાણકારી છે એ મુજબ સમરસ કોવિડ કેર સેન્ટર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના એક હોસ્ટેલમાં ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં નું વાતાવરણ એકદમ ચોખ્ખું અને ખુશનુમા છે. જ્યાં તમે તાજગી અનુભવી શકો છો. સમરસ કોવિડ કેર સેન્ટરમાં પ્રવેશ થતાં જ ડૉકટર દ્વારા પલ્સ ચેક કરાયાં સાથે ટેમ્પરેચર પણ માપવામાં આવ્યું. ત્યારબાદ નવાઈ ત્યારે લાગી જ્યારે જે સેનેટાઈઝરની બોટલ અમને ન્યુ સિવિલ હોસ્પિટલ વૉર્ડ H3માં 25 લોકો વચ્ચે આપવામાં આવી હતી એજ માત્રાની બોટલ અહીં અમને દરેક દર્દીને પોતાની વ્યક્તિગત રીતે આપવામાં આવી અને સાથે દરેકને વ્યક્તિગત ટૂથબ્રશ, ટૂથ-પેસ્ટ, ન્હાવા માટેનો એક સાબુ અને એક પાણી ની બોટલ પણ આપવામાં આવી. તેમજ દરેકને એક હેલ્પલાઈન નં આપવામાં આવ્યો. જે કોઈ દર્દીને કંઈપણ તકલીફ થાય છે કે કોઈ બાબતની અગવડતા હોય ત્યારે એ દર્દી આ હેલ્પલાઈન નં પર સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઈન નં 24/7 માટે કાર્યરત હોય છે, જેનો મેં જાતે અનુભવ પણ કર્યો છે. આ સૌથી બેસ્ટ સુવિધા મને લાગી. કેમ કે કોઈ દર્દીને કંઈ પણ તકલીફ કે અગવડતા હોય તો એ તરતજ પોતાની વાત આ હેલ્પલાઈન નં પર કહી શકે છે જેથી સમય બગડતો નથી અને તેનું નિવારણ પણ ઝડપથી આવી શકે છે.
ત્યારબાદ મને 6th માળ પર રૂમ આપવામાં આવી. જેમાં એક રૂમમાં બે જ દર્દીને રાખવામાં આવે છે. મારો રૂમ નં હતો 601. રૂમ નં 601માં પ્રવેશ સાથે જ મારી નજરે પડ્યું કે બેડ પર એકદમ સાફ સુથરી ચાદર, ઓશિકાનું કવર, ન્હાવા માટે એક ટુવાલ અને એક નેપકીન રાખવામાં આવેલા હતાં. બારી માંથી સુંદર મજાનો પવન વાય રહ્યો હતો. આ પ્રકારની સુવિધાઓ જોઈ હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. બે દિવસ બાદ હવે મારા જીવમાં જીવ આવ્યો અને થયું કે હાશશશ અહીં માણસ રહી શકે તેવી વ્યવસ્થા છે. અંતે બે દિવસ બાદ અહીં નાહવાનો વારો આવ્યો.
● સમરસ કોવિડ કેર સેન્ટરમાં દર્દીને અપાતી આશ્ચર્યજનક સુવિધાઓ...
સમરસ કોવિડ કેર સેન્ટરમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી કહી શકાય તેવી પણ અન્ય સુવિધાઓ ઉપ્પલબ્ધ જોવા મળી. જેવી કે, જે કોઈ દર્દીને વાંચવા માટે પુસ્તક જોઈતું હોય તો લાઇબ્રેરીમાંથી પુસ્તક અપાય છે, ક્યારેક ગીતો પણ વગાડાય છે જેથી દર્દીઓને સંગીત સાથેનું મનોરંજન મળતું રહે અને દર્દી પ્રફુલ્લિત રહે. જો તમે ગીતોની કોઈ ફરમાઈશ કરો છો તો તે ફરમાઈશ પણ પુરી કરાય છે. તેમજ એક વિશેષ વાત એ ધ્યાને આવી કે, જે કોઈ દર્દીઓ ત્યાં દાખલ છે તેમાંના કોઈનો બર્થ ડે કે મેરેજ એનિવર્સરી હોય તો ડૉકટર સાથે અન્ય સ્ટાફ ગીત સંગીત અને તાળીઓના ગડગડાટ સાથે તેની પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. મેં પણ આવાં એક ઉજવણી કરતાં કાર્યક્રમમાં 6th માળની બાલ્કનીમાંથી તાળીઓ વગાડી ભાગ લીધો હતો. ઓનલાઈન માધ્યમથી દર્દીને સવારે અને સાંજે એમ બે સમય યોગાની પણ વિશેષ સુવિધા અપાઈ રહી છે. મને તો વિશ્વાસ જ થતો ના હતો કે અહીં આટલી સરસ સુવિધાઓ સરકારી સેવાઓ હેઠળ મળી રહી છે. કેમ કે સરકારી સેવાઓ હેઠળ દર્દીઓને આ પ્રકારે ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓ અને અફલાતૂન સુવિધાઓ કદાચ ભાગ્યે જ કોઈ સરકારી હોસ્પિટલ કે કેર સેન્ટરમાં જોવા મળતી હશે.
● સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દી માટે નાસ્તા અને જમવાની સુવિધાઓ સંદર્ભે…
સવારે નાસ્તાથી લઈ ને બપોરે અને રાત્રે જમવાનું આપવાનું આખું ટાઈમ ટેબલ નક્કી હોય છે. દરરોજ સવારે 9:30 વાગ્યે એટલે ચા સાથે અલગ અલગ પ્રકારનો જેવો કે વઘારેલાં પાત્રા, પૌઆબટેકા, ઇડદા, વઘારેલાં ખમણ, ઉપમા વગેરે વગેરે જેવો ગરમાગરમ નાસ્તો અપાય છે. ત્યારબાદ સવારે 10:30 થાય એટલે ગરમ ઉકાળો અપાય છે. બપોરે 12:00 ના ટકોરે બપોરનું જમવાનું અપાય છે. જેમાં બે શાક, 4 રોટલી, દાળ-ભાત અને થોડું સલાડ અપાય છે. સાંજે ફરી 5:15 એ ચા સાથે બિસ્કિટ, ચેવડો, પુરી, ખારી, ટોસ વગેરે વગેરે જેવો સૂકો નાસ્તો અપાય છે. રાત્રે 7:30 થાય એટલે ફરી રાતનું જમવાનું આપી દેવાય છે, જેમાં બે શાક, 4 રોટલી/પુરી/થેપલાં, ક્યારેક કઢી-ભાત/પુલાવ તો ક્યારેક કઢી-ખીચડી પણ અપાય છે. આ દરેક વાનગીઓ ઉત્તમ ક્વોલિટીની હોય છે. મહત્વની વાત એ છે કે, દર્દીઓને જે જમવાનું અને નાસ્તો આપવામાં આવતું હતું એજ જમવાનું અને નાસ્તો ડૉકટર તેમજ અન્ય નર્સિંગ સ્ટાફ પણ લઈ રહ્યો હતો. એટલે દર્દી માટે અલગ અને ડૉકટર તેમજ સ્ટાફ માટે અલગ તેવો ભેદભાવ બિલકુલ અહીં રાખવામાં આવતો નથી.
● સમરસ કોવિડ કેર સેન્ટરમાં ડૉકટર અને નર્સિંગ સ્ટાફનો એક દર્દી સાથેનો વ્યવહાર…
સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ડૉકટર દર્દીઓ સાથે એકદમ પ્રેમાળ રીતે વર્તી રહ્યાં છે. દર્દી જે કાંઇ પ્રશ્ન પૂછે તેનો એકદમ સરળ અને પૂરતાં પ્રમાણમાં માહિતી સાથેનો જવાબ અપાય છે. ડૉકટર સાથે વાત કરતાં જાણ થઈ કે સમરસ કોવિડ કેર સેન્ટરનો હેતુ જ એ છે કે દર્દીને દર્દી જેવું તેમજ કોઈ હોસ્પિટલમાં કે કેર સેન્ટરમાં છે તેવું ફિલ ના થાય એ માટે ફેમિલી જેવું વાતાવરણ અને અનુભૂતિ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી દર્દીને અહીં એકલવાયું ના અનુભવાય તેમજ ઝડપથી સાજો થઈ પોતાનાં ઘરે પરત ફરી શકે. ડૉકટર આખા દિવસમાં ત્રણથી ચાર વખત રેગ્યુલર તપાસ માટે આવતાં હતાં. જેમાં પલ્સ અને ટેમ્પરેચર માપવામાં આવતું હતું. જરૂર લાગતાં દર્દીને બ્લડ પ્રેશર પણ મપાતું હતું. અન્ય કોઈ તકલીફ છે કે કેમ એ વિશે પણ તપાસ દરમ્યાન નિયમિત પુછાતું હતું. અહીં ડૉકટરનાં કહેવા મુજબ અમને દવાની જરૂરિયાત ના હોવાના કારણે અહીંયા દવા અપાતી ના હતી. હા રોગપ્રતિકારક શક્તિ વધારવા હેતુ આયુર્વેદિક દવા આપી હતી જે હું દરરોજ ડોક્ટરની સલાહ મુજબ સમયસર લઈ રહ્યો હતો.
આ રીતે સમય પસાર થતો ગયો અને નવ દિવસ બાદ મારો બીજો રિપોર્ટ નેગેટિવ આવતાં તા : 03/06/2020 ના રોજ સવારે 10:30 વાગ્યે મને રજા અપાઇ. રજા આપ્યાં બાદ પણ ડૉકટર દ્વારા સાવચેતી હેતુ ઘણાં સૂચનો અપાયાં છે. દરેક પ્રક્રિયા પુર્ણ કર્યા બાદ BRTS રૂટની બસ દ્વારા હું બપોરે 2:00 વાગ્યે મારા ઘરે પહોંચ્યો.
● મારાં મત મુજબ સિવિલ હોસ્પિટલ ખાતે નીચે આપેલ બાબતો પર પણ સુધારાં થવા જોઈએ જે સારવાર દરમ્યાન મારા ધ્યાને આવી છે…
ન્યુ સિવિલ હોસ્પિટલમાંથી મને સમરસ કોવિડ કેર સેન્ટર ટ્રાન્સફર કરવામાં આવ્યો ત્યારે એક ટ્રાન્સફર સ્લીપ મને આપવામાં આવી હતી. જેમાં સિવિલ હોસ્પિટલ ખાતે થયેલ મારી સારવારનો ટૂંકમાં રેકોર્ડ હતો. જેમાં મારો બ્લડ રિપોર્ટ, મને સારવાર દરમ્યાન આપેલ દવા, મારા બ્લડ પ્રેશર વિશે તેમજ X-RAY વિષે ઉલ્લેખ કરાયેલો છે. હવે નવાઈની વાત તો એ છે કે મારો X-RAY લેવાયો ના હોવાં છતાં પણ X-RAY માં કશું આવેલ નથી તેવું મેનશન કરેલ છે. હવે આવું કેમ થયું તેનો જવાબ તો ન્યુ સિવિલ હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ જ આપી શકે. શું આ કોઈ ભૂલ છે કે જાણી જોઈને કરવામાં આવેલો છબરડો? જો ભૂલ છે તો આવી ભૂલ કોના દ્વારા અને કેમ થઈ એ પણ તપાસનો વિષય છે? અને જો આ છબરડો છે તો આ બાબતે ખાસ ઊંડી તપાસ થવી જોઈએ. કેમ કે, બની શકે કે આવું અન્ય દર્દીઓ સાથે પણ થયું હોય.
ન્યુ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટિવ દર્દીઓને સિસ્ટર દ્વારા દર્દી ને જે દવાઓ લેવાની હોય છે તે પહોંચાડી દેવાય છે. એ દવા શું છે, શા માટે છે, એ દવા કેવીરીતે લેવાની એ વિષે કોઈ જાણકારી ડૉકટર દ્વારા અપાતી નથી. માત્ર ન્યુઝ પેપરના એક નાના ટુકડાંના પેકેટમાં છુટ્ટી દવા મુકેલી હોય છે જેનાં પર દર્દીનું નામ લખેલ હોય છે. જે પેકેટ દર્દીઓને સિસ્ટર દ્વારા જ સીધું આપી દેવાય છે. જેથી દર્દી પોતે જાણી શકતો નથી કે મને કંઈ દવા આપવામાં આવી રહી છે.
સિવિલ હોસ્પિટલ અને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે દર્દીઓની તપાસ હેતુ કોણ આવતું હતું એ ખ્યાલ રહેતો ના હતો. કેમ કે તપાસ હેતુ આવનારે PPE કીટ પહેરી હોય છે જેમાં તેમની કોઈ ઓળખ થઈ શકતી નથી ના કોઈ તેમણે નેમ પ્લેટ લગાવેલી હોય છે. જેનાં કારણે બ્લડ રિપોર્ટ માટે બ્લડ લેવા, પલ્સ અને બ્લડ પ્રેશર ચેક કરવાં, દવા આપવા માટે કે અન્ય તપાસ કરવા માટે સિનિયર ડૉકટર આવતાં હતાં, જુનિયર ડૉકટર આવતાં હતાં, વોર્ડબોય કે સિસ્ટર આવતાં હતાં એ વિષે સ્પષ્ટ જાણી શકાતું ના હતું. માટે જો આ દરેક બાબતે કે સારવાર માટે આવનાર પોતાની ઓળખ માટે દર્દી સ્પષ્ટ વાંચી શકે એ રીતે જો નેમ પ્લેટ લગાવે તો દર્દીને જાણકારી મળી શકે કે મારી તપાસ માટે કોણ આવી રહ્યું છે. આ નેમ પ્લેટ અન્ય નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી માટે પણ ફરજીયાત લાગુ કરવી જોઈએ. મારા મત મુજબ આ સુધારો દર્દીની સુરક્ષા અને જાણકારી હેતુ અતિ મહત્વનો છે. એક અનુભવ એ પણ થયો કે દર્દીને પોતાને જાણ જ હોતી નથી કે મારી સારવાર કયાં સિનિયર ડૉકટર દ્વારા થઈ રહી છે. પુછવા છતાં પણ ક્યારેક જવાબ દેવામાં આવતો નથી. માટે જે સિનિયર ડૉકટરની નજર હેઠળ દર્દીને સારવાર અપાતી હોય છે એ ડૉકટર વિષે પણ સંપુર્ણ જાણકારી દર્દીને આપવી જોઈએ જે અપાઇ રહી નથી. જે જાણકારી દર્દીને હોવી એ દર્દીનો અધિકાર છે.
કોરોના પોઝિટિવ દર્દી તરીકે મારો અનુભવ અહીં પૂર્ણ થાય છે.
● એક સામાન્ય માણસ અને ગરીબ/મજૂરનો સળગતો સવાલ…
મારો સ્પષ્ટ મત છે કે, કોરોના મહામારી પર વિજય મેળવી લીધાં બાદ પણ સરકારી હોસ્પિટલમાં સારવાર મેળવતાં તમામ પ્રકારના દર્દીઓને હાલ સમરસ કોવિડ કેર સેન્ટર, વેસુ ખાતે અપાઈ રહેલી અસાધારણ સુવિધાઓને દરેક રાજ્ય તેમજ કેન્દ્ર સરકારે દરેક સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાવવી જોઈએ.
● શું કોરોના પોઝિટિવ દર્દી તરીકે મેં સિવિલ હોસ્પિટલમાં લીધેલ સારવાર માટે મારે કોઈ ચાર્જ ચૂકવવાનો આવ્યો છે?
જવાબ : ના . મને તાવ આવ્યાના કારણે કતારગામ અર્બન હેલ્થ સેન્ટરમાં થયેલ તપાસથી લઈ કોરોના ટેસ્ટ માટે તેમજ એ ટેસ્ટ પોઝિટિવ આવ્યાં બાદ છેક રજા આપ્યાં સુધીમાં થયેલ તમામ સારવાર અર્થે કે જમવાનો, રહેવાનો, દવાનો, ઘરેથી હોસ્પિટલ લઈ જવા માટેનો કે કોવિડ કેર સેન્ટરથી ઘરે પહોંચાડવા સુધીનો કે આ સિવાય અન્ય કોઈપણ પ્રકારનો ચાર્જ/ખર્ચ મારા પાસેથી વસુલવામાં આવ્યો નથી. મારી સંપૂર્ણ સારવાર સરકાર તરફથી તદ્દન વિના મૂલ્યે કરવામાં આવી છે.
હાલ હું ઘરે આવી ગયો હોવાં છતાં પણ સુરત મ્યુન્સીપલ કોર્પોરેશન/ડૉકટર અને ગુજરાત સરકારના હેલ્પલાઈન નં પરથી દિવસ દરમ્યાન સમયાંતરે ફોન દ્વારા મને હાલ મારી તબિયત કેવી છે, કોઈ તકલીફ થાય છે કે કેમ, હું સમયસર નાસ્તો અને જમવાનું લઈ રહ્યો છું કે નહીં, ગરમ પાણી, લીંબુ અને આદુ રસ લઈ રહ્યો છું કે નહીં તે દરેક બાબતે માહિતી લેવાઈ રહી છે તેમજ સ્વાસ્થ્ય જાળવવા હેતુ અન્ય સૂચનો પણ અપાઈ રહ્યાં છે. એ માટે હું ગુજરાત સરકારનો આભારી છું.
અન્ય શહેરની વાત કરું તો, જે ગુજરાત રાજ્ય નું હાર્દ અને આર્થિક પાટનગર પણ કહી શકાય તેવાં અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલની બેદરકારીઓ અને અવ્યવસ્થાઓ બાબતે પણ દરરોજ ન્યુઝ પેપર કે ટીવી મીડિયાનાં માધ્યમથી આપણને સૌ ને જાણકારી મળી રહી છે. એજ રીતે, કથળેલી આરોગ્ય સેવાઓ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે પણ ગુજરાત સરકારનો ઉધડો લઈ લીધો છે. એકદમ કડક ભાષામાં કથળેલી વ્યવસ્થાઓ બાબતે ગુજરાત સરકારને ટકોર પણ કરી છે. જો ગુજરાત રાજ્યના બે પ્રમુખ શહેરોની આ પરિસ્થિતિ હોય તો અન્ય નાના શહેરો અને ગામડાઓમાં ક્યાં પ્રકારની અવ્યવસ્થાઓથી ભરેલી આરોગ્ય સેવાઓ દર્દીને અપાતી હશે એ ગુજરાત રાજ્યના એક નાગરિક તરીકે આપણને સૌ ને વિચારતાં કરી મૂકે તેવી બાબત છે. આ દરેક બાબતે નજર કરતાં ખરેખર લાગે છે કે, ગુજરાત રાજ્યમાં આરોગ્ય સેવાઓ ખાડે ગઈ છે.
આપણાં દેશમાં સિમેન્ટ કોન્ક્રીટથી થતાં વિકાસની સાથે સાથે માનવ વિકાસને ક્યારે મહત્વ અપાશે અને એ તરફ અમલ ક્યારે કરાશે જેની આજે આપણાં દેશમાં સૌથી પહેલી અને તાતી જરૂરિયાત છે.
● કોરોના પોઝિટિવ દર્દી તરીકે મારા અનુભવ પરથી આપ સૌ મિત્રો માટે અગત્યના સૂચનો ….
મિત્રો મારા અનુભવ પરથી હું કહી શકું છું કે કોરોનાથી ડરવાની બિલકુલ જરૂર નથી, પણ હા કાળજી હેતુ ગંભીર બનવાની આપણે સૌ એ તાતી જરૂર છે. મોટાભાગના લોકોની અંદર કોરોના વાઇરસ વિષે ભ્રમાણાંઓ અને અફવાઓ ફેલાયેલી છે. ખુબ ડર પણ પેસેલો છે. જે દૂર કરવાની સૌ એ ખૂબ જરૂર છે. સાથે ઘરની બહાર નીકળતાં સમયે હંમેશા માસ્ક પહેરવાનું અને સોશયલ ડિસ્ટનસ જાળવી રાખવાનું ભૂલવું ના જોઈએ. તેમજ ઘરમાં પરિવારના દરેક સભ્યોએ નિયમિત ગરમ પાણી પીવાનું રાખવું જોઈએ. લીંબુ અને આદું રસ પણ લઈ શકાય છે. ગરમ દૂધમાં હળદર નાખીને પણ પી શકાય છે. સરકાર અને સરકારી તંત્ર તેમજ ડૉકટર દ્વારા અપાતાં સૂચનોનું કડકપણે પાલન પણ અચૂક કરવું જોઈએ. એક બેદરકારી/ગફલત પણ ક્યારેક આપણને કે આપણાં પરિવારને ભારે પડી શકે છે, જે ક્યારેય ભૂલવું ના જોઈએ.
મારા મત મુજબ કોરોના મહામારીને હરાવવા સૌથી મહત્વનું અને જરૂરી એ છે કે જો કોઈ વ્યક્તિને તાવ, શરદી, ઉધરસ, કફ, શ્વાસ ચડવો, સતત મુંજારો થવો જેવાં લક્ષણ કે જે કોરોના પોઝોટિવ હોવાના સામાન્ય લક્ષણ છે. જેમાનાં કોઈ લક્ષણ તમારાં કે તમારાં પરિવારના અન્ય કોઈ પણ સભ્યોમાં જણાઈ આવે છે તો તરતજ બિલકુલ ડર કે સંકોચ રાખ્યાં વિના તમારી તેમજ તમારાં પરિવારની સલામતી હેતુ તમારાં ફેમિલી ડૉકટર અથવા મેડિકલ હેલ્પલાઈન નં 104 પર જરૂર સંપર્ક કરવો જોઈએ. ઘણાં લોકો 14 દિવસ હોમ કોરેન્ટાઇન રહેવાનાં કે હોસ્પિટલમાં દાખલ કરી દેવાના ડરના કારણે આ લક્ષણો ની જાણ કરતાં નથી. જેથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સંક્રમણ અટકાવી કે ઓછું કરી શકાતું નથી. જે આપણાં સૌ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો તમારામાંથી કોઈ આ પ્રકારની બેદરકારી દાખવી રહ્યાં છો તો આવું કરવાનું ટાળવું જોઈએ. જો સમયસર સારવાર લો છો તો કોરોનાની વધુ પડતી અસરથી બચી શકાય છે. જે આપણાં સૌની સલામતી હેતુ જ છે એ આપણે સૌ એ સમજવું પડશે. અને એ માટે આપણે સૌ એ મળીને સતર્કતા અને જાગૃતિ દાખવવાની જરૂર છે. જો આપણે સૌ આ બાબતે જાગૃતિ નહીં દાખવીએ તો કોરોના મહામારીને આપણે ક્યારેય હરાવી નહીં શકીએ. કોરોના મહામારીને હરાવવા માટેના પ્રયાસ કરવાં એ માત્ર સરકાર, સરકારી તંત્ર અને ડૉકટરની જ ફરજ નથી પણ સાથે એક જવાબદાર નાગરિક તરીકે આપણાં સૌની પણ એટલીજ નૈતિક ફરજ છે જે પણ આપણે ક્યારેય ભૂલવું ના જોઈએ.
આશા રાખું છું કે આપ સૌ આ બાબતે જાગૃતિ કેળવશો અને કોરોના મહામારીને હરાવવા નિડરતાથી પ્રયત્નશીલ પણ થશો અને સરકારી તંત્રને સહયોગ પણ કરશો.
આખું વિશ્વ કોરોના મહામારીથી ઝડપથી મુક્ત થાય અને પોતાના કુદરતી જીવનમાં પાછું ફરે તેમજ જલ્દીથી જલ્દી સૌ નાગરિકોની સલામતી સ્થપાય એ હેતુ હું પ્રાર્થના કરું છું. તેમજ આ માટે એક જવાબદાર નાગરિક તરીકે મારાથી બનતાં શક્ય તમામ પ્રયાસ કરવાનો પણ પ્રયત્ન કરતો રહીશ.
◆ સાવચેત રહો , સુરક્ષિત રહો ◆
– જાગૃત પટેલ (SOCIAL & RTI ACTIVIST)
ટાઈપિંગ કરનાર ને ધન્યવાદ…. ખુબ વિગત વાર વાત 👍🙏🏻 ખુબ સત્ય વાત… લોકો કયારે જાગૃત થશે….? સરકાર વ્યવસ્થા સારી કરવા માટે કડક થશે
LikeLiked by 1 person